હરિને
- NITIN MEHTA
- May 6, 2021
- 1 min read
હરી, ઊભા કાં દરવાજે ?
મારા અવગુણનો ઓળંગી ઉંબર, માંડો પગલાં હળવે અંદર
ગૂંજે મારી કુટીર પછી, શંખ, ઝાલર પખવાજે.
હરી, ઊભા કાં દરવાજે ?
ભીંત તણું જાય ખૂલી ભાગ્ય
બની જાય શાશ્વત, આ સુખદ પળ,
મન મોભનું નાચી રહે સતત
ખૂણે ખૂણા બસ, ઝળહળ ઝળહળ.
પરમ દર્શનનો અઢળક આનંદ, શ્વાસ શ્વાસના સૂરે ગાજે
હરી, ઊભા કાં દરવાજે ?
ચરણ પખાળવા કર આતુર
રૂપ નિરખવા આંખો,
હથેળીની અટપટી રેખાને
તમ પરમ પૂણ્ય ચહેરે, ઢાંકો
તમે જ સ્વજન ને તમે જ વ્હાલા, પૂજન કરું મુજ રંક અવાજે
હરી, ઊભા કાં દરવાજે ?
નીતિન વિ મહેતા
Commentaires