આઝાદીનો અમૃત મહોત્સવ
- NITIN MEHTA
- Dec 15, 2022
- 2 min read

માનવ તવારીખમાં ગાંધીનું નામ બુધ્ધ અને ઈશુના નામની સાથે જ લેવાય છે. ગાંધીજીમાં હિંદના આત્માને પારખવાની અદભુત શક્તિ હતી. અહિંસક આઝાદીની એ ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિ સાથે વિચારોના અમરત્વની સાક્ષી પૂરે છે.
વિશ્વની પ્રજા હંમેશા શાંતિ ઝંખતી હતી, બે મહાન યુધ્ધોએ જગતમાં હાહાકાર મચાવી દીધો, પરિણામે સમગ્ર માનવ જાત ત્રાહિમામ પોકારી રહી હતી. સામાન્ય માણસની પીડાને વાચા આપતા કવિ માધવ રામાનુજે લખ્યું, “એક ક્ષણ યુદ્ધ અટકાવી શકો તો ટૅન્ક પર માથું મૂકી હું થોડું ઊંધી લઉં.” માટે જ ગાંધીજીએ ભારતની આઝાદી માટે બે સબળ કારણો વર્ણવ્યા હતા. એક ભારતની આઝાદી વિશ્વ શાંતિ માટે જરૂરી છે તથા બીજું ભારત આઝાદ હોય તો દેશનો નાનામા નાનો માણસ પણ સ્વમાન પૂર્વક જીવી શકે. એટલે જ ગાંધીજીએ પોતાનું જીવન સ્વતંત્રતા મેળવવા માટે સમર્પિત કરી દીધું, જેની દુનિયાના ઈતિહાસે નોંધ લીધી છે.
પ્રસિધ્ધ પુસ્તક Freedom At Midnight જે એક ભારતની આઝાદી માટેનો ઐતિહાસિક દસ્તાવેજ છે, તેમાં ઉલ્લેખ છે, કે આખરે બ્રિટનની સરકારે તે સમયના છેલ્લા વાઈસરૉય માઉન્ટ બેટનને ભારતને વહેલી તકે આઝાદી અપાવવાનું કામ સોંપ્યું હતું. ગાંધીજીનો દેશ પ્રેમ અને પ્રજા પ્રત્યેની સહાનુભૂતિ જોઈ ખુદ માઉન્ટ બેટન અત્યંત પ્રભાવિત થયા હતા. ગાંધીના વિધાનને તેમણે પણ સ્વીકારી લીધું કે સ્વતંત્રતા કારાવાસની દીવાલોમાં કે ફાંસીના માંચડા પર મળે છે, નહીં કે અદાલતને ઓરડે કે શિક્ષણના વર્ગોમાં.
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ની એ સવારે જે સૂર્યોદય થયો, તેના કિરણે ભારતની જનતાને સ્વતંત્રતાની ભેટ ધરી. કરોડો દેશવાસીઓના જીવનમાં આનંદસભર નવોન્મેષ સર્જાયો. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું, “સ્વતંત્રતા ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ અજ્ઞાનતાના બંધનોમાંથી મુક્ત હોય અને પોતાના માલિકોની આંધળી આજ્ઞાપાલનથી મુક્ત હોય.” જોતજોતામાં આઝાદી મળ્યાને પંચોતેર વર્ષ થયા અને આજે આપણે ઉત્સાહ ભેર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનો આનંદ માણી રહ્યા છઈએ. સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે કેટકેટલા સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે, તે તો આજે હયાત સૌ વડીલો જાણતા જ હશે.
આઝાદીની લડત તો ઘણી જ આકરી હતી, આઝાદ થયા પછી પણ દેશ ઉપર તબક્કા વાર અનેક સંકટોના વાદળ ઝળૂંબ્યા હતા. આંતરિક યુધ્ધ, કુદરતી આફતો, સુનામી આતંકવાદ કોરોના જેવા બનાવો બન્યા. પ્રજાએ સહન પણ કર્યું, પરંતુ ભારતીય જનની સંકલ્પ શક્તિ તથા આશાવાદી અભિગમને કારણે હંમેશા વિજય મેળવ્યો છે. જગતના દેશો તેનાથી પરિચિત છે.
ભારતીય પરંપરાગત સંસ્કૃતિ તથા ભારતની વિશાળ મજબૂત લોકશાહીની સમગ્ર વિશ્વમાં પ્રશંસનીય ગણના થાય છે. ભારત સહિત અન્ય અનેક દેશો બે વિશ્વ યુધ્ધના ગંભીર પરિણામોના સાક્ષી રહ્યા છે. હંમેશાં શાંતિ ઝંખતા આ દેશે અહિંસાના માર્ગે રહી આઝાદી મેળવી. સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આખા દેશમાં ફેલાયો. ત્યારે કવિ ઉમાશંકારે લખ્યું, ‘ઘરે ઘરે ગાંધી જગવો, બારણે બારણે બુધ્ધ.”
જરા ય પાછળ નથી
આ પંચોતેર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમાં શંકા નથી આજે ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા મળ્યા પછી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે પંચોતેર વર્ષે આ દેશમાં પણ અનેક પરિવર્તનનો જોવા મળશે.આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રે પણ ભારત અન્ય દેશોની સરખામણીમાં જરા ય પાછળ નથી, તેની પ્રત્યેક નાગરિકે સગર્વ નોંધ લેવી ઘટે.
આઝાદીનો અમૃત મહોત્સવ એટલે એવો ઉત્સવ જેનો અર્થ છે, સ્વતંત્રતાની ઊર્જાનું અમૃત. આત્મ
નિર્ભર ભારતનું અમૃત.
જય હિંદ.
Comentários