top of page

આશા અમર છે

થોડા સમય પહેલાં વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ સમાપ્ત થયું ને આપણે ૨૦૭૭ માં પ્રવેશ્યા. હવે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૨૦૨૦નો અંત આવશે ને ૨૦૨૧નો પ્રારંભ થશે. વિતેલા વર્ષનું સરવૈયું કાઢવાનું, બનેલી ઘટનાઓને વાગોળવાનું અને આવનારા નવા વર્ષનું ઉમળકાભેર સ્વાગત કરવાનું આ આપણો નિત્ય ક્રમ બની રહે છે. નવા વર્ષની શુભેચ્છાઓનો વિનિમય કરીએ છીએ. નવું વર્ષ નવી આશા, ઉમંગ અને અઢળક આનંદ લઈ આવે છે પછી કુદરતી રીતે જ આપણામાં જોમ જુસ્સો ચેતનાનો સંચાર થાય છે, સકારાત્મક્તા ઉદભવે છે.

૨૦૨૦ ના બાર મહિનામાંથી માત્ર બે જ માસ કાર્યાન્વિત હતા, બાકીના દસે કોરોનાના પ્રહારે વિશ્વની પ્રજાને આકુળ વ્યાકુળ કરી નાખી.શારીરિક, માનસિક,આર્થિક, સામાજીક એમ બધા જ સ્તરે માનવીના જીવનને અસ્ત વ્યસ્ત કરી દીધું. જગતના ઈતિહાસમાં આ વૈશ્વિક મહામારીનું પ્રકરણ આંકડા સહ ઉમેરાશે. વર્તમાન પ્રજા આ ઘટનાને ભૂલી નહી શકે, પણ આગામી પેઢી માટે દંતકથા હશે.

નોંધનીય બાબત એ છે કે દુનિયાના સમૃધ્ધ રાષ્ટ્રોની તુલનામાં ભારતમાં આ મહામારીને નાથવાના ત્વરિત પગલાં લેવાયા. મૃત્યુ પામેલી વ્યક્તિઓની સંખ્યાને બાદ કરતાં વધારે લોકો આ સંકટ સામે મોતને હાથતાળી દઈ, જીતી ગયા. આનો યશ ડોકટરો, નર્સો, પોલીસો, નગરપાલિકાના કાર્યકરો, અનેક સેવાભાવી સંસ્થાઓને આપવો ઘટે. શાયર શેખાદમ આબુવાલાનું એક મુક્તક છે,

“અમને નાખો જીંદગીની આગમાં, તો આગને પણ ફેરવીશું બાગમાં

સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવાદો લાગમા”.

આમ પીડાની અવગણના કરી અનુપમ આત્મ વિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરનારાના અસંખ્ય દ્રષ્ટાંતો આપણી સામે મોજૂદ છે.

વર્ષ ૨૦૨૦ નો છેલ્લો અંક શૂન્ય છે, હવે તેના સ્થાને એકડો લખાશે. આ એક સંકેત છે શૂન્યમાંથી સર્જન કરવાનો. પ્રેમ, લાગણીઓ, ભાવનાઓ, આત્મીયતાને પુનર્જીવિત કરવાનો અવસર સાંપડશે. જનતાનું મનોબળ દ્રઢ થશે, કારણ વર્ષના પ્રારંભે કોરોનાનો પ્રતિકાર કરવા માટે વેક્સિનનું આગમન થશે. દરેક નાગરિકને આ રસી ઉપલબ્ધ થશે, પછી ધીરે ધીરે પણ મક્કમ ગતિએ માનવીનું જીવન પૂર્વવત બનશે. સ્થિર થઈ ગએલી પ્રગતિને વેગ મળશે.

કવિ ગની દહીવાળાએ લખ્યું છે,

“શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને

રસ્તો ભૂલી ગયો હું, તો દિશાઓ ફરી ગઈ”.

માટે, શ્રધ્ધાને મનવગી તથા હિંમતને હૈયાવગી રાખવાનો આ ઉત્તમ મોકો મળ્યો છે. જે કઈં ગુમાવ્યું છે તેનો રંજ ન કરતાં, જે કઈં મેળવ્યું છે કે હવે પછી મળશે, તે અલ્પતાઓથી પર હશે એમ માનવાનું અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય. ૨૦૨૧ નું વર્ષ સંપૂર્ણપણે કોરોના મુક્ત હશે, એવી આશા રાખવી અસ્થાને નથી, કારણ આશા અમર છે.

સર્વનું આયુષ્ય સ્વસ્થ અને જીવન સમૃધ્ધ રહે એ જ અભ્યર્થના.


નીતિન વિ મહેતા


Comentarios


CONTACT

US

NITIN MEHTA

Mob No. 9821617327

E-mail ID - mehtanitin.43@gmail.com

MUMBAI, INDIA 

TELL

US

Thanks for submitting!

bottom of page