એક અનોખા સંમેલનનો સંસ્મરણીય અનુભવ
- NITIN MEHTA
- Sep 5, 2023
- 2 min read

ભારતની વિવિધ ભાષાઓમાં ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. દરેક ભાષામાં સર્જાતું સાહિત્ય તથા તેના સર્જકોનું પ્રદાન તે ભાષાને શ્રેષ્ઠતાની ચરમ સીમાએ લઈ જાય છે. ખુશીની વાત તો એ છે કે આ સર્જન રાષ્ટ્રીય અને અન્ય ભાષામાં અનુવાદિત થઈ તેનું મહત્વ વધારે છે, પરિણામે બીજી ભાષાના લેખકો તથા વાચકોને પરિચય થાય છે. આખરે તો દરેક ભાષામાં સર્જાતું સાહિત્ય, તેના સર્જકની આગવી ઓળખ બની રહે છે.
સ્વ ભાષાના સર્જકોનું તે રાજ્યના વિવિધ સ્થળે સમયાંતરે મિલન થાય છે. પરિષદ કે અધિવેશનના કાર્યક્રમો યોજાય છે. સાહિત્યિક સંસ્થાઓનું નિર્માણ થાય છે. તેના વિકાસ માટે રાજ્યોની સરકારનું બહુ મૂલ્ય પ્રદાન હોય છે. કવિઓ, લેખકો મળીને પોતપોતાનાં સર્જન વિશે વિચાર વિનિમય કરે છે. રાજ્યની સાહિત્ય આકાદમી જેવી માતબર સંસ્થાનું યોગદાન અતિ મહત્વનો ભાગ ભજવે છે, જેની સાનંદ નોંધ લેવી ઘટે.
કવિઓ કે લેખકો અત્યંત સંવેદનશીલ હોય છે. આંતર મનના ઊંડાણેથી આ સંવેદના શબ્દો દ્વારા કાગળ ઉપર ઉતરે છે. પછી વાચકોને તેનો પરિચય થાય છે. ઘરના એક ખૂણામાં સર્જાએલ સાહિત્ય સીમાઓ સરહદો ઓળંગી વિશ્વ કક્ષાએ પહોંચી જાય છે.
સામાન્ય રીતે વિવિધ ક્ષેત્રે વ્યક્તિ કાર્યરત રહી સફળ થાય છે, તેમાં હવે દિવ્યાંગો પણ કમ નથી. તાજેતરમાં દિલ્હી ખાતે, દિલ્હી સાહિત્ય અકાદમીએ સૌ પ્રથમ વાર અખિલ ભારતીય દિવ્યાંગ લેખક મિલનનું આયોજન કર્યું, જેમાં દેશની ચોવીસ ભાષાના દિવ્યાંગ લેખકો, કવિઓને નિમંત્રીત કરવામાં આવ્યા હતા. આ લખનારે ગુજરાતી ભાષાનું પ્રતિનિધત્વ કરતાં માતૃભાષા તથા હીંદી ભાષામાં કાવ્ય પઠન કર્યું હતું. રાજ્યના સાંસ્કૃતિક મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે પોતાના ઉદઘાટન ભાષણ દરમિયાન સૌ દિવ્યાંગ સર્જકોનું સન્માન કર્યું હતું.
દરેક દિવ્યાંગો તથા તેમની સાથે આવેલા સહાયકોને આવવા જવાનું ટિકિટ ભાડું, હોટલમાં રહેવાની અને કાર્યક્રમ સ્થળે લાવવા લઈ જવા વાહનોની પણ વ્યવસ્થા કરી હતી ઉપરાંત પ્રત્યેક દિવ્યાંગ સર્જકોને પુરસ્કાર અને ભેટ સોગાત આપી નવાજવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાહિત્ય અકાદમીની યુ ટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું. આજે પણ આ કાર્યક્રમ આ જ ચેનલ પર ઉપલબ્ધ છે.
માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગો પ્રતિ સમાજમાં જાગૃતિ નિર્માણ થાય અને તેમને સમાન અધિકાર મળે, તે માટે કાર્યક્રમો યોજવાનું એલાન વિવિધ સંસ્થાઓને કર્યું છે, જેનો અમલ દિલ્હી સાહિત્ય અકાદમીએ સફળતા પૂર્વક કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે અત્યંત પ્રશંસનીય છે. દરેક રાજ્યોની સાહિત્ય અકાદમી આવા કાર્યક્રમો યોજે, તેવી આશા રાખવી અસ્થાને નથી.
દિલ્હી સાહિત્ય અકાદમીને અંત:કરણ પૂર્વક સહર્ષ અભિનંદન.
Comments