ક્ષમા વીરસ્ય ભૂષણમ
- NITIN MEHTA
- May 21, 2022
- 2 min read

ઈશ્વરે માનવીનું સર્જન કરી તેને ત્રણ અદભૂત ચીજોનું વરદાન કર્યું. કૂણું હૃદય, મુલાયમ મન તથા વિચારોથી ભરપૂર મગજ. સંસ્કૃતમાં કહેવાયું છે, ન માનુષાત શ્રેષ્ઠતરં હિ કિંચિત અર્થાત મનુષ્યથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કશું નથી. માણસ હોવું તે અલગ બાબત છે, પણ માણસાઈને કેળવી જીવવું એ મહત્વનું છે. ગુણ અવગુણ તો દરેક વ્યક્તિમાં થોડે ઘણે અંશે જોવા મળે છે. ક્યાંક સહજતા છે, ક્યાંક સરળતા છે, તો ક્યાંક કઠોરતા છે. ક્યાંક વેર સામે વૈમનસ્ય છે. આનાથી વિપરિત વેરના ઝેર સામે પ્રેમ અને ક્ષમાનો અમૃત કુંભ પણ છે. મનમાં અદાવતની ભાવના ન રાખતા, ક્ષમાનો તાજ પહેરનાર વ્યક્તિ વિરલ છે, માટે જ કહેવાયું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે
માણસના જીવનમાં સાકાર થતી કેટલીક ઘટનાઓને કારણે સંબંધો બંધાય છે તો ક્યારેક તૂટે પણ છે. બદલો લેવાની ભાવના સેવતી વ્યક્તિ દિલથી નહી, દીમાગથી વિચારે છે, પરિણામે સંબંધોમાં કડવાશ પ્રસરે છે. જાણતા કે અજાણતા જે વ્યક્તિ જેના દ્વારા દુભાઈ હોય તે તેને માફ કરી દે, તો સંબંધોમાં મીઠાશ વ્યાપી જાય છે. માફ કરનાર વ્યક્તિ હૃદયથી શ્રીમંત લેખાય છે. ક્ષમા ભૂતકાળને ભલે બદલતી નથી, પણ ભવિષ્યને ઉજ્વળ બનાવે છે.
ગ્રીસની પ્રજાએ મહાન તત્વ ચિંતક સોક્રેટિસને ઝેરનો પ્યાલો પાયો જે તેઓ હસતાં હસતાં પી ગયા, ગાંધીજીને ગોળી મારી, છતાં તેમના મુખમાંથી “હે રામ” શબ્દો સરી પડ્યા, જૈનોના તીર્થંકર મહાવીરને લોકોએ ગાળો દીધી, અપમાન કર્યું તો ય વિચલિત થયા વિના પીડાને સહન કરી બોલ્યા ‘મિચ્છામિ દુક્કડમ”. ઈશુને શરીર પર ખીલા ઠોકી ક્રોસ પર જડી દીધા. ત્યારે રક્ત નીતરતી અવસ્થામાં પણ ઈશુની આંખમાંથી કરૂણા છલકાતી રહી અને મુખમાંથી ઉદગાર સર્યા, “ હે પ્રભુ આ લોકોને માફ કરી દેજે, કારણ એ લોકો જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.”
યાદ આવે છે કવિ પ્રિયકાંત મણિયારની કવિતા “ખીલા”, જેમાં એક લુહારની મનોવ્યથા વ્યક્ત થઈ છે. ઈશુના લોહી લુહાણ અંગો જોઈ અત્યંત દુખી અને નિરાશ થએલ લુહારના મુખમાં કવિએ આ શબ્દો મૂક્યા છે, “મેં મકાનો બાંધવાને જે ઘડ્યા રે તે ખીલા તો અહીં જડ્યા !” લોહીના લાલ રંગમાં પણ સમાએલ ક્ષમાનો શ્વેત રંગ એક સામન્ય લુહાર પણ પામી ગયો. પીડા સભર પ્રાયશ્ચીતનો કોઈ અંત નથી. કોઈની કઠોર વાણીથી દુભાએલ માણસની પીડા પણ ઈશુના દુખથી ઓછી નથી. કવિ બકુલ રાવળે આ વિધાનને વાચા આપતા લખ્યું છે, “વેદના મારી ઈશુથી કમ નથી શબ્દ પણ ખીલા બની વાગી રહ્યા.”
ક્ષમા ત્યારે જ અપાય જ્યારે કોઈ અપરાધ કે અપરાધી ક્ષમાને લાયક હોય.યાદ કરીને વેર વેર લેવા કરતાં ભૂલી જઈને ક્ષમા કરવામાં જ શ્રેય છે. આખરે ક્ષમા એ પ્રેમનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.
댓글