ગાગરની ધાર
- NITIN MEHTA
- Aug 19, 2023
- 1 min read

નંદવાય નહીં ભરી ગાગર સખી
ન છૂટે રસીલા નીર
આંખોમાં સાચવ્યા સપનાના સરોવર
લટ મહી પૂર્યા વહેતા સમીર
મારગે મ્હેણાં મળશે એ જાણું
ને વાગશે કેડીએ કાંટા
મનની મહોલાતે ઉછળતી ઈચ્છા
દેશે અદીઠ રહી શાતા
આશા અભિલાષા રહેશે અતૂટ
ભલે ચરણોથી વહે રૂધિર
ન છૂટે રસિલા નીર
પગલામાં અટવાશે શંકાના કંકર
પણ ઉરે તો શ્રધ્ધા અપાર
ગમતી ગોફણની જોઉ છું રાહ
વહે ભાંગેલ ગાગરની ધાર
વહેતા વારિને આલિંગન દેવા
સખી હૈયું હવે છે અધીર
ન છૂટે રસિલા નીર
Comments