ગોધૂલી ટાણે
- NITIN MEHTA
- May 4, 2021
- 1 min read
Updated: May 6, 2021

ગોધૂલિ ટાણે, ગોરજ ઊડી
સ્હેજ સ્પર્શી, ને કહી ગઈ કાનમાં,
રુદિયામાં ઊર્મિના ઊઠ્યા તરંગ
મુને સમજાવી શરમે,. સાનમાં
પવન તો પોઠ ભરી લાવ્યો રજકણ
એ ધૂળમહી વાંચ્યો તારો ચહેરો,
ઝાંખા અજવાળે ઘૂંઘટની આડશે
મેં ચોગમથી ભરી લીધો ,પહેરો
આવરણ ઓળંગી છટકી નજર
ગઈ પથરાતી દૂર, વેરાનમાં
મુને સમજાવી શરમે, સાનમાં
છૂંદાણાના પંખીઓ ટહુક્યા ટહુક્યા
ને પાંખોમાં આભ લઈ ઊડ્યા,
ઊછળતા સ્પંદને જાગી આશા
ગાલે, લજ્જાના ગુલમોર ઊગ્યા.
પળની આ રેતીને વ્હેતી રોકો
નથી આવવું મારે,. ફરી ભાનમાં
મુને સમજાવી શરમે, સાનમાં
નીતિન વિ મહેતા
Comments