ગેસ્ટ બ્લોગ
- NITIN MEHTA
- Jan 16
- 2 min read
કવિનું ઘર

ઈતિહાસમાં નોંધાએલ ઘટના મુજબ ચૌદ ચૌદ રાજ્યો જીતનારા સિકંદર, સામ્રાટનું બિરૂદ પામ્યો હતો. પોતે સમ્રાટ હોવા છતાં તેનામાં મહદ અંશે માનવતાનો ગુણ તથા દયાની ભાવના પણ હતી, તેવો ઉલ્લેખ છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે રાજ્યોમાં પ્રવેશી બધું જ નાશ કરવાનો હુકમ પોતાના સૈનિકોને આપતો અને મહત્વનું એલાન કરતો કે,”બધી જ ઈમારતો મકાનો ઘર બાળી નાખો, પણ યાદ રહે કે જે ઘર કવિનું હોય તે ઘરને જરા પણ ઊની આંચ ન આવે, તેનું ખાસ ધ્યાન રાખજો.” આ વિધાનમાં એક સફળ સમ્રાટને કવિઓ પ્રત્યે લાગણી તથા માન હતું, તેનું પ્રતિબિંબ પડે છે.
આજે આ ઐતિહાસિક ઘટનાનું સ્મરણ કરવા પાછળ ખાસ કારણ છે, તાજેતરમાં બનેલી ઘટના. મરાઠી ભાષાના કવિ નારાયણ સુર્વેના ઘરમાં ચોરી થઈ, પણ ચોરી કરતાં ચોરની નજર પુસ્તકો પર પડી ત્યારે તેને જાણ થઈ કે આ તો કવિનું ઘર છે અને તે પણ મરાઠીના ભાષાના જાણીતા કવિ નારાયણ સુર્વેનું. અને પછી બધી જ ચોરેલી વસ્તુ યથા સ્થાને મૂકી, પસ્તાવો કરતાં ત્યાંથી ચાલ્યો ગયો. આ પ્રસિધ્ધ કવિનું એક ચોરે મનોમન સન્માન કર્યું પછી અહીં ચોરનું પણ હૃદય પરિવર્તન થયું તો તે પણ મહત્વનું છે.
આ મરાઠી કવિનો જન્મ અત્યંત ગરીબાઈમાં થયો હતો. સાહિત્યના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રી તરીકે નવાજવામાં આવ્યા હતા. તેમની પાસે માર્કસવાદી વિચારધારા હતી. તેમણે પોતાની કલમ દ્વારા સામાજિક પરિવર્તનની કવિતાઓ લખી હતી. ગરીબાઈ અને સાથે અનાથ હોવાને કારણે તેમણે શિક્ષણ પોતાના ખર્ચે જ પૂરું કર્યું. આજે પુણે શહેરમાં “નારાયણ સુર્વે કલા અકાદમી”ની સ્થાપના કરવામાં આવી છે,જ્યાં સાહિત્યકારો તથા કલાકારોને યોગ્ય મંચ અને માર્ગદર્શન મળે છે.
મૂર્ધન્ય ગુજરાતી કવિ શ્રી ઉમાશંકર જોશીના ગંગોત્રી ટ્રસ્ટ તરફથી જે કેટલાક મરાઠી કવિઓના કાવ્યોના ગુજરાતીમાં અનુવાદ થયા છે, તેમાં નારાયણ સુર્વેની કવિતાનો પણ ગુજરાતી કાવ્ય રસિકોને પરિચય થયો છે.પોતે એક મિલ કર્મચારીના નેતા હતા, જેમને તેમના અધિકારો મેળવી આપવામાં કાયમ અગ્રેસર રહેતા,આ અભિગમ તેમની આ કાવ્ય પંક્તિમાં જોવા મળે છે, “હું અંદર અને બહાર દોડી રહ્યો છું. મારી રોજીરોટી એ મારી રોજિંદી શંકા છે. હું કામદાર છું, ચમકતી તલવાર છું”.
કહેવાય છે કે “Poets are born and not made.” કવિ પણ આખરે એક માણસ છે, તેનું મૂલ્યાંકન ત્યારે જ થાય, જ્યારે તેના અસ્તિત્વમાં કોઈ વિશિષ્ટ કહી શકાય એવી પ્રતિભા હોય, પછી તે કવિ હોય કે કલાકાર ગરીબ હોય કે શ્રીમંત તેની અભિવ્યક્તિનો આવિષ્કાર જ તેને અન્યોથી અલગ તારવે છે. વિવિધ કલાઓની જેમ લેખન પણ એક કલા છે. શબ્દને પોતાનો આગવો અવાજ છે, માટે કવિઓ અને લેખકો દ્વારા સમાજને કશુંક નક્કર પ્રાપ્ત થાય છે. કલમ દ્વારા સર્જકો પણ સમાજમાં જાગૃતિ લાવવાની જવાબદારી નિભાવે છે.
નારાયણ સુર્વેના ઘરમાં ચોરી કરી પસ્તાએલ ચોર હવે પછી બીજે ચોરી કરવા પહેલા તપાસ કરશે કે જે ઘરમાં હું ચોરી કરવા આવ્યો છું, તે કોઈ કવિનું ઘર તો નથી ને? જો આવો વિચાર તેને આવે તો આ ચોરની પણ સમ્રાટ સિકંદરની સાથે સરખામણી કરવી શું ઉચિત નથી?
નીતિન વિ મહેતા
Comments