“જીવન સંધ્યા ટાણે”
- NITIN MEHTA
- May 5, 2021
- 1 min read
Updated: May 6, 2021

જાણીતા કવિ સ્વપ્નસ્થની એક પંક્તિ છે,
“ આજ ગુલાબી સંધ્યા તીરે દિલડું કોનું પ્યાસી રે
નીલ ગગન સ્મિત ધરતી ઝીલે, તો ય હૃદય ઉદાસી રે”
પ્રસ્તુત પંક્તિ જીવનની સંધ્યા ટાણે ગણગણવાનું મન થાય છે, કારણ કે દૂર ક્ષિતિજે રવિ કિરણો હળવે હળવે વિદાય લઈ રહ્યા છે. શર્વરી એના નીજી અસ્તિત્વને સ્થાપવા થનગની રહી છે. આછા અજવાળાના કેટલાક ટૂકડ્ફાઓ
છિન્ન ભીન્ન થતાં રહે છે. આહલાદક વાતાવરણમાં શીત લ્હેરો સરી જતી ક્ષણોની સુંદરતામાં ઉમેરો કરે છે.ઘૂઘવતા સાગરનો રવ અને નિબિડ ભણી પ્રયાણ કરતાં વિહંગોનો કલરવ, સમગ્ર વાતાવરણને સૌંદર્યની ગરિમા બક્ષે છે. ઢળતી સાંજનો આ ગુલાબી માહોલ અંત્યંત મોહક લાગે છે.
જીવનની ઉત્તરાવસ્થાને આરે ઊભેલા માનવીના આંતરમનમાં તુમુલ યુધ્ધ ચાલી રહ્યું છે. દિગંતની લાલીમા પરથી પળભર દ્રષ્ટિ હટાવી મન અતીતમાં સરી પડે છે. ત્યાં વિચારોમાં કશુંક ધૂંધળું દેખાય છે. શાયર સૈફ પાલનપુરી કહે છે ,”જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.”
પ્રભાત પછી મધ્યાન્હ, સંધ્યા પછી નીશા આ પ્રકૃતિની શિસ્તબધ્ધ ક્રિયા છે, જે માનવ માત્રને અભિપ્રેત છે.તે સ્વીકારવું જ રહ્યું. તો પછી જીવન યાત્રામાં પણ શૈશવ, યૌવનની જેમ પ્રૌઢાવસ્થાને પણ મહત્વ કેમ ન આપવું? જીવનની સંધ્યા
ટાણે બાળપણાની કે યુવાનીની સ્મૃતિઓ વાગોળવાનો પણ એક અનોખો રોમાંચ છે,ક્યારેક તેમાં સકારાત્મક દ્રશ્ય પણ સ્પષ્ટ પણે ઉપસી આવે છે.કવિ શ્રી વેણીભાઈ પુરોહિતની પંક્તિ “સાંજ તો શોખીન ને સમજુની છે” ને જીવનમાં સાકાર કરવા માટે શોખીન ને સમજુ થવું આવશ અણુંએ અણુંમાં થતું પરિવર્તન અર્થપૂર્ણ છે. કશાયની ઉપેક્ષા કરવા જેવું ક્યાં ય નથી. આ પળ વહી જાય તે પૂર્વે જ તેને શાશ્વત સ્વરૂપ આપવા માં જ અસ્તિત્વનો અર્થ છૂપાએલો છે. જીવન સંધ્યા ટાણે આ અર્થ શોધવાનું કાર્ય, ભલે મુશ્કેલ લાગતું હશે, પરંતુ અશક્ય તો નથી જ.
નીતિન વી મહેતા
Comments