જલબિંદુ
- NITIN MEHTA
- Apr 25, 2021
- 1 min read
Updated: May 5, 2021

વાદળથી વિખૂટા થઈને જલબિંદુ
પાંદડીએ પાંદડીએ ઝળક્યા
અવનીએ ઝીલ્યા મૃદુ પગલાં ફોરાના
એ માટીમાં મહેક મહેક મલક્યા
પાંદડીએ પાંદડીએ ઝળક્યા
જળની ભીતર કુણા તડકાની પીળી
ઉપસી ગઈ અનોખી ભાત
લ્હેરાતા તૃણ પર સ્મિત બની પ્રસરી
ઈશ્વરી ચહેરાની સોગાત
મંદ મંદ મલયાનિલ ભીના વાને
શીત લહેરે લલિત રૂપ ચમક્યા
પાંદડીએ પાંદડીએ ઝળક્યા
ઝરમર ઝરમર ધીમી ધારે વરસી
એ ચારે દિશામાં વેરાયા
ઝૂકેલું નભ એમાં નિજને નીરખે કે
નભને ન છૂટે એની માયા
છંદ છંદને તૃપ્ત કરતાં બિંદુ
સરવરના નીર મહી છલક્યા
પાંદડીએ પાંદડીએ ઝળક્યા
નીતિન વિ મહેતા
Comments