તે દિવસો…
- NITIN MEHTA
- May 6, 2021
- 2 min read
પરિવર્તન એ સંસારનો નિયમ છે, તે આવશ્યક તો છે સાથે આવકાર્ય પણ છે. આજે જે કઈ છે,તે ગઈ કાલે ન હતું ને તેમ છતાં વ્યક્તિનો, સમાજનો તથા દેશનો વિકાસ થતો રહ્યો છે અને થતો રહેશે જ. અતીત ક્યારે ય સ્મૃતિપટ પરથી વિલીન થતો નથી. અનાયાસે માનવી તે દિવસો ને આજના દિવસો વચ્ચે તફાવત નો અનુભવ કરતો રહે છે. કોમ્પુયટરનો ‘ક’ કે મોબાઈલનો ‘મ’ વિશે કોઈ જાણતું ન હતું, તો ય પ્રગતિનો પંથ સર્વને માટે ખુલ્લો હતો.
આજના જમાનામાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. વિવિધ ક્ષેત્રે સગવડતાઓનું પ્રમાણ વધતું જાય છે. માણસના અઘરા કામો પણ હવે સરળ થતાં જાય છે. દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ જોવા મળે છે, જે હકીકતમાં મોબાઈલ નથી, પણ આખ્ખુ વિશ્વ તેની મુઠ્ઠીમાં છે, એમ કહીએ તો તે સ્વીકાર્ય છે. મોબાઈલ કે કોમ્પ્યુટર આજે માનવી માટે આશીર્વાદ સમાન છે, જ્યાં સુધી તેનો સદુપયોગ કરવામાં આવે, નહીતર આ સાધનો દ્વારા પણ વ્યક્તિ છળ, કપટ ને છેતરપીંડી કરે છે તેવા અસંખ્ય દ્રષ્ન્ટાતો આપણી આંખ સામે મોજૂદ છે. આવા ગુનાઓને રોકવાના પણ પ્રયત્નો થતાં રહે છે, તે સુખદ બાબત છે.
મારા આ બ્લોગ દ્વારા આજની જનરેશનને ભૂતકાળના એ દિવસોની જાણકારી આપવાનો એક માત્ર ઉદ્દેશ છે. તે જમાનામાં જ્યારે નવી ફિલ્મોનું આગમન થતું, ત્યારે ટિકિટોના કાળા બજાર થતા. બધે જ હાઉસફૂલના પાટિયા જોવા મળતા. કાળાબજારને પ્રોત્સાહન ન આપવું જોઈએ, એવી વિચાર ધારા ધરાવતા લોકો ફિલ્મ જોયા વિના વિલે મોઢે પાછા ફરતા. આજે ઘેર બેઠા ઓનલાઈન થી સહેલાઈથી ટિકિટ મળે છે. થિયેટર સુધી જવાના શારીરિક શ્રમમાથી છુટકારો થાય છે.
લાંબા પ્રવાસ માટે પણ આ જ રીતે ટિકિટ મેળવવાનું શક્ય બન્યું છે. તો એ સમયે લોકોને આરક્ષણ માટે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, તે કોણ માનશે? પત્ર વ્યવહાર માટે પંદર પૈસાનું પોસ્ટકાર્ડ એક સસ્તું સાધન હતું. ઘણા ઘરોમાં આવા પીળા રંગના બાર પોસ્ટકાર્ડ કાયમ રહેતા. પોસ્ટકાર્ડનો જવાબ પણ પોસ્ટકાર્ડથી જ અપાતો. તેની નાની જગ્યામાં પણ ઘણી બધી વિગતોનો સમાવેશ થઈ શકતો. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ પોસ્ટકાર્ડ અતિ સુલભ પર્યાય હતો.
ઘેર ઘેર ટપાલની વ્હેંચણી કરનાર એ ટપાલીની આતુરતાપૂર્વક રાહ જોવાતી. યુવાન હૈયાને મન તો ટપાલી પરમેશ્વરનું સાક્ષાત સ્વરૂપ જ લાગતો. વિધ્યાર્થીઓ પણ ટપાલીની કાગડોળે પ્રતીક્ષા કરતા, કારણ કે એ સમયે શાળાઓની પરીક્ષા પછી પરિણામ ટપાલ દ્વારા મોકલવામાં આવતા. પ્રત્યક્ષ પોસ્ટ ઓફિસમાં જઈ મની ઓર્ડરનું ફોર્મ ભરી પૈસા બહારગામ મોકલાતા, જ્યારે આજે કાચી સેકંડમાં સંદેશાઓની આપ લે થાય છે અને દુનિયાના કોઈ પણ ખૂણેથી નાણાનો વિનિમય સરળતાથી થઈ શકે છે, જે આજની ટેક્નોલોજીને આભારી છે.
આજના હયાત વરિષ્ઠોને આ બધુ અભિપ્રેત હશે જ, તેમાં કોઈ શંકા નથી. જે કામો સાધનોની મદદથી આજે સરળ થયા છે, તે બધા એ દિવસોમાં સાધનો વિના થતાં હતા. તેમાં પરિશ્રમનો મહિમા હતો. મહેનતનુ મહત્વ હતું.
યુવા પેઢીને આ બધી બાબતોથી માહિતગાર કવાનું અત્યંત આવશ્યક છે. જે સુવિધાઓ આજે તેમણે મળી રહે છે, તે તેમના વડીલોને ન્હોતી મળતી, છતાં તેમના ચહેરા પર સંતોષ તથા ખુશીની રેખા જોવા મળે છે. યુવાનોએ આની નોંધ લેવાની જરૂર છે. યુવાનો આ આધુનિક ટેક્નોલોજીની વિસ્તૃત માહિતી આપી વડીલોને તેના વપરાશનું માર્ગદર્શન આપવાનું અભિયાન શરૂ કરે તો તે ખરેખર પ્રશંશાને પાત્ર લેખાશે.
ગઈ કાલ અને આજ વચ્ચે સરખામણી કરતાં અફસોસ કરવાને બદલે, આધુનિક સાધનો દ્વારા પ્રગતિ કરવામાં જ સાર છે. જૂના એ દિવસો સરસ હતાં, આજની આ ક્ષણો અતિ સુંદર છે તેને શાશ્વત સ્વરૂપ આપી ભવિષ્યને ઉજ્જવળ કવાના હકારાત્મક વિચારોનો અમલ કરવાનું ઉચિત ગણાશે.
નીતિન વિ મહેતા
Comments