દિવ્યાંગો પ્રતિ સમાજનો અભિગમ
- NITIN MEHTA
- Apr 21, 2021
- 2 min read
Updated: May 6, 2021

સાલ બે હજાર સોળની વસ્તી ગણતરીના આધારે ભારત દેશની કરોડોની વસ્તીના આશરે અઢી કરોડ લોકો એક યા બીજી રીતે શારીરિક ખામીઓથી પીડાય છે. સાતમા આઠમા દાયકામાં આ આંકડો ઘણો મોટો હતો, કારણ હતું સામાજીક જાગૃતિનો અભાવ. ઘર કે સમાજમાં દિવ્યાંગ વ્યકતી બોજારૂપ ગણાતી અને તેના અધિકારો પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવતું હતું, પરિણામે દિવ્યાંગો અવગણના કે ઉપેક્ષાનો ભોગ બનતા હતા. તે સમયે સરકાર તરફથી કેટલીક સહાય મળતી હતી, પરંતુ દિવ્યાંગ જનો આ સુવિધાઓથી અપરચરિત હતા, તેમને કોઈ માર્ગદર્શન પણ મળતું ન હતું.
આખરે સંયુક્ત રાષ્ટ્ સંસ્થાએ ઓગણીસો એકયાસીના વર્ષને આંતર રાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોની સમસ્યાઓ અને પ્રશ્નો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો, જેની પ્રથમ શિખર પરિષદ સિંગાપોર ખાતે હતી. એશિયા ખંડના લગભગ ત્રીસ દેશોમાથી આશરે ચારસો દિવ્યાંગો તેમના મદદનીશ સાથે ઉપસ્થિત હતા. આ લખનારે પણ ત્યાં પોતાના વિચારો દર્શાવ્યા હતા.અહી એક બંધારણ ઘડાયું, જેનો પ્રધાન સૂર હતો “સંપૂર્ણ સહભાગિતા અને સમાન હક્ક’
આની અસર દુનિયાના ઘણા દેશોમાં થઈ. વિકસિત ભારતમાં પણ તેના સકારાત્મક પડઘા જોવા મળ્યા. ધીરે ધીરે દિવ્યાંગો પ્રતિ જાગૃતિ અસ્તિત્વમાં આવી. શારીરિક, આર્થિક અને સામાજીક પુનર્વસન એ દરેક દિવ્યાંગોનો આધિકાર છે. જે મળે તો દિવ્યાંગ પણ સામાન્ય માનવીની જેમ સ્વમાનભેર જીવન જીવી શકે. આજે અનેક સામાજીક સંગઠનો સંસ્થાઓ છે, જે દિવ્યાંગોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે સક્રીય છે. તેમના મનમાં ઘર કરી ગયેલી લઘુતાગ્રંથિ, શરમ કે સંકોચ દૂર કરી તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું ઉત્તમ કાર્ય સંસ્થાના પદાધિકારીઓ નિ:સ્વાર્થ ભાવે કરે છે,તે નોંધનીય છે.
દેશના અનેક રાજ્યો સાથે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં આવી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જ્યાં દિવ્યાંગો સાથે મૈત્રી પૂર્ણ સંબધ સ્થાપી તેમને તેમના હક્કો પ્રાપ્ત કરવામાં સહાયરૂપ બને છે.
અમદાવાદ ખાતે આવી જ એક સંસ્થા શ્રીમતી નંદિની પી દિવેટિયા રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેંટ ઈન્સ્ટીટયુટ ઉત્તમ કામ કરે છે. છેલ્લા બાર વર્ષથી પ્રોત્સાહન રૂપે વિભિન્ન અપંગત્વ ધરવતા દિવ્યાંગોને એવોર્ડ આપી સન્માનીત કરે છે. આજ સુધીમાં આ સંસ્થાએ એકસો પંચોતેર જેટલા વિકલાંગોનું સન્માન કર્યું છે.
માત્ર દિવ્યાંગ જ નહી, દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાને પણ ઈન્સ્ટિટ્યુશનલ એવોર્ડની નવાજેશ કરે છે. વર્ષ બે હજાર ઓગણીસનો આ એવોર્ડ મુંબઈની ફેલોશિપ ઓફ ધ ફિઝિકલી હેન્ડિકેપને અમદાવાદ ખાતે યોજાએલ એક કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. ફેલોશિપ ઓફ ધ ફિઝિકલી હેન્ડિકેપ વતી આ લખનારે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. પ્રમુખ સ્થાને હતા અંબાલાલ સારાભાઈના અધ્યક્ષ શ્રી કાર્તિકેય સારાભાઈ.
ફેલોશિપ ઓફ ધ ફિઝિકલી હેન્ડિકેપ છેલ્લા ચોસઠ વર્ષથી દિવ્યાંગોને તાલીમ આપી તેમનું પુનર્વસન કરે છે. આવી જે કઈં સંસ્થાઓ કામ કરે છે, તેને લીધે સમાજમાં જાગૃતિ નિર્માણ થઈ છે, અને હવે દિવ્યાંગો પ્રત્યેનો સમાજનો અભિગમ બદલાતો જોવા મળે છે. માત્ર આવી સંસ્થાઓ જ નહી, પણ પ્રત્યેક નાગરિક દિવ્યાંગો પ્રતિ ફરજ સમજીને મૈત્રી ભર્યો હાથ લંબાવી તેમને પ્રોત્સાહિત કરે, તો દિવ્યાંગો પણ અન્યોની જેમ ગૌરવયુક્ત જીવન જીવી શકે. આખરે દિવ્યાંગોને દયા ભાવના નહી, પણ પ્રેમ તથા સાનુભૂતિની જરૂર છે.
વિવિધ ક્ષેત્રે અનેક વિકાલાંગોએ પોતાનું નામ રોશન કર્યું છે, જેની સમાજે નોંધ લીધી છે અને લેતી રહેશે. સામાજીક અભિગમમાં આવેલું આ પરિવર્તન અત્યંત પ્રશંસનીય અને આશા ભર્યું છે, જેની નોંધ આવશ્ય લેવી ઘટે.
નીતિન વિ મહેતા
Comments