“ પ્રભાતનું સૌંદર્ય”
- NITIN MEHTA
- May 1, 2021
- 1 min read
Updated: May 3, 2021

સંસ્ક્રુતના એક પ્રસિધ્ધ સુભાષિતની પ્રથમ પંક્તિ છે, “રાત્રી ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ” અર્થાત રાત્રીનું પ્રસ્થાન થશે અને એક સુંદર નવલું પ્રભાત ઊગશે. સ્રુષ્ટિમાં નવ ચૈતન્ય ફેલાશે. આ સુભાષિતની પંક્તિ પ્રાણીમાત્રને, પ્રક્રુતિ દ્વારા અપાએલ પ્રેરણાદાયી ઉત્તમ ભેટ છે. શબ્દે શબ્દમાં, આશાનો સંચાર થાય છે. વીતિ ગએલ ઉદાસ રાત્રી પછી, ઊગતી સવાર પ્રસન્નતાની પરમ તાજગી લઈને આવે છે.
ઊગતા પરોઢનુ સૌંદર્ય આહલાદક, મનને પ્રફુલ્લિત કરનારું, હ્રદયને ઉષ્મા દેનારું હોય છે. સૌંદર્યની આ અનુભુતિને કવિવર રવીન્દ્રનાથ ટાગોર આ પ્રમાણે વર્ણવે છે,” પ્રત્યેક ઊગતું પ્રભાત નવોન્મેષ લઈને આવે છે માત્ર જરૂર છે આપણી દ્રષ્ટિમાં પણ સૌંદર્યનું હોવું”
હળવે હળવે ઓગળી જતું અંધારું અને ઉદભવતા ઝાંખા અજવાળાની વચ્ચેની પરમ ચેતના જગાવતી પળનો, સાક્ષાત આવિષ્કાર એટલે પ્રભાતનું સૌંદર્ય. કવિ શ્રી વેણીભાઈ પુરોહિતે લખ્યું છે, “જાગો મારા અધિર નયન, જાગો બધિર પ્રાણ” અહીં માત્ર પથારીનો ત્યાગ કરી જાગવાનું આહવાન નથી, પણ અધિરતાને છોડીને પ્રક્રુતિને પૂર્ણપણે, જાણવાની તથા માણવાની તક ઝડપવા માટેના વિનમ્રતા પૂર્વક કરેલા ઉદગાર છે.
નીંદ્રાદેવીનો ત્યાગ કરીને જ્યારે આંખ ખુલે છે, ત્યારે અનુભવાય છે, ઊગતા પરોઢના આકાશનો કરિશ્મા. દૂર સુદૂરેથી સંભળાય છે, પંખીઓના મધુર સ્વર. કલરવોના કામણ આળસ મરડતા અંગોને, આલિંગન દઈ તરબતર કરી દે છે. મંદ મંદ વાતા પવનની શીત લહર, ગુલાબી ગાલો પર ઝૂકેલી લટને સહજ ચૂમીને, તૃપ્ત કરે છે. પૂર્વ દિશાના દ્વારેથી સૂર્યના કિરણો ધીરે ધીરે પગલાં માંડે છે. પીળચટ્ટા તડકાની ઋજુતા, વ્રુક્ષોને, વેલીને, પાંદડાને, પુષ્પોને સ્પર્શીને વિસ્તરતી જાય છે, ત્યારે કુદરતની આ કલામય કારીગરીને અવશ્ય દાદ, આપવી ઘટે.
“ ઉષાએ અભિજ્ઞાન દાન ધરતાં, નીશા ગઈ ઓગળી. દીશાના નવલાં સ્વરૂપ પ્રગટ્યા, ચોમેર આભા ભળી. ખુલ્યા દ્વાર ઉજાસના અખિલમાં, આશા પ્રવેશી ધીરે. વ્હેતા મંદ સમીર શીત લહરે, સ્રુષ્ટિમહીં વિસ્તરે.”
નીતિન. વિ. મહેતા.
Comments