પણિયારે દીવો
- NITIN MEHTA
- Apr 24, 2021
- 1 min read
Updated: May 6, 2021

પાણિયારે દીવો કરી આંખ મીંચી ને ત્યાં જ,
મને લઈ ચાલ્યું મૈયરને મારગ, અજવાળું
શેરી ને પાદર, આંગણું ને ઉંબર
બંધ આંખે હવે, બસ નિહાળું.
મને લઈ ચાલ્યું મૈયરને મારગ, અજવાળું.
મારા મુલાયમ પગલાં જ્યાં માંડતી ,
રોજ વાગતી એ ઉંબરને ઠેસ
આજ આ ઉંબરની મરજાદા જાળવી
હળવે કીધો મેં, પ્રવેશ
એ ભીંતો પર ચિતરામણ કરતી’તી રોજ,
આ ભીંતોના ગોખલે, નીજને સંભાળું.
મને લઈ ચાલ્યું મૈયરને મારગ, અજવાળું
જળની સમીપે દીવો બળે ને
શગમાં મળે, મારું શૈશવ,
એ ફ્ળિયામાં કેટલા ઢોળ્યા’ તા જળ
આ પાણિયારા ભરું, ને છલકાય ભવ
નખશીખ ભીંજાતી રહું ટીપેં ટીપેં,
પછી, ભીતર ઉજાસ ને ય, ભાળું
મને લઈ ચાલ્યું મૈયરને મારગ, અજવાળું
નીતિન વિ મહેતા
Commentaires