મેટ્રો સાતમાં પ્રવાસ કર્યાનો યાદગાર અનુભવ
- NITIN MEHTA
- Mar 11, 2023
- 2 min read

આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. વિવિધ ક્ષેત્રે વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે. ગતિમાં વેગ છે. પ્રજાનું જીવન ધોરણ સુધરતું જાય છે. વિશ્વ આખું આજે કોમ્પ્યુટર યુગમાં પ્રવેશી રહ્યું છે. ગામડાઓ, નગરો, નાના મોટા શહેરો બધે જ પરિવર્તનો થતાં જાય છે, જે આધુનિક ટકનોલૉજીનો આવિષ્કાર છે. આયુષ્યના સાત દાયકા જે શહેરમાં મેં વિતાવ્યા છે, એ મુંબઈ મારું મનગમતું શહેર છે. અહીં સૌ સપના લઈ આવે છે. અને મુંબઈ એને સાકાર કરે છે. નવી પેઢી માટે જ્યાં અનેક સુવિધાઓની ભરમાર થતી જાય છે, તે મુંબઈની કાયા પલટ મેં મારા શૈશવ કાળથી લઈ આજ સુધી નિહાળી છે.
ઔધ્યોગિક ક્ષેત્રે હરણ ફાળ ભરતા આ શહેરમાં માનવ મહેરામણ ઉમટતો જાય છે. મન પાંચમનો મેળો ભરાય છે. અહીં સૌ પોતપોતાનાં સપનાઓ, અરમાનો લઈને આવે છે. વિવિધ સ્થળોએ આવવા જવા માટે અનેક વાહનો લોકોની સેવા માટે ઉપલબ્ધ થતાં જાય છે. વર્ષોથી મુંબઈની જીવા દોરી ગણાતી લોકલ ટ્રેનમાં બદલાવ જોવા મળે છે, પરંતુ એકવીસમી સદીમાં મુંબઈને જે મેટ્રો ટ્રેનની સોગાત મળી છે, તેની નોંધ લેવી અત્યંત આવશ્યક છે.
તાજેતરમાં આપણાં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈમાં મેટ્રો સાત અને મેટ્રો ટુએનું લોકાર્પણ કર્યું જે મુંબઈગરા માટે નોખું અનોખુ છે. આ પૂર્વે વર્સોવા ઘાટકોપર વચ્ચે મેટ્રો એકનો જ્યારે પ્રારંભ થયો ત્યારે તેમાં પ્રવાસ કરવાનો અદભૂત સાનંદ અનુભવ મળ્યો. મારા સ્મૃતિ પટ પર હજી તે આનંદની શાહી ભૂંસાઈ નથી, ને ત્યાં જ આ નવી મેટ્રો લાઈનનો અનુભવ કરવાની સુવર્ણ તક મેં ઝડપી લીધી. .
અંધેરી પૂર્વથી દહીસર પૂર્વ અને ત્યાંથી અંધેરી પશ્વિમ સુધીની આ રોમાંચિત સફરની ખુશી આપની સાથે મારા આ બ્લોગ દ્વારા શેર કરવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું. અતિ આધુનિક સવલતો, ભભકાદાર પ્રવેશ તથા સ્વચ્છતા એ પ્રત્યેક સ્ટેશનની ઓળખ બની રહી છે. દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરીકોને સતત વિનમ્રતાપૂર્વક સહાય કરનારા કર્મચારીઓ તે આ મેટ્રોની વિશેષતા છે. જેને જરૂર હોય તેને વ્હીલચેર પણ મળે છે તો ટ્રેનની અંદર સાયકલ રાખવાની પણ સગવડતા છે. પ્રવાસ દરમ્યાન આવનારા સ્ટેશન વિષેની માહિતી પણ મળતી રહેતી હોય છે.
મુંબઈના લોકો માટે નવું નજરાણું તો મુંબઈની બહાર વસતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ નવી મેટ્રો લાઈન. હવે પ્રતીક્ષા છે, કોલાબા બાંદ્રા વચ્ચેની ભૂગર્ભ લાઈનના પ્રારંભની જેનો લાભ મુંબઈગરાને ટૂંક સમયમાં મળશે. શહેરની યશ કલગીમાં એક પીંછાનો ઉમેરો થશે, તેમાં કોઈ શંકા નથી. આશા રાખું છું કે તેનો પણ અનુભવ મારા બ્લોગમાં શબ્દસ્થ કરીને આપની સાથે શેર કરી શકું.
Comments