top of page

મોબાઇલની માયા જાળ

એકવીસમી સદીમાં આધુનિક ટેકનોલોજીએ સમગ્ર વિશ્વમાં ક્રાંતિ લાવી દીધી છે. વિકસતા દેશો કે પૂર્ણ વિકસિત દેશોમાં આ ટેકનોલોજીએ શહેર તથા ગામડાઓનો ચહેરો બદલી દીધો છે. વિવિધ પ્રકારના ભૌતિક સુખ સગવડ માનવીને હાથવગા થઈ ગયા છે. આજે ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા મળ્યા પછી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે પંચોતેર વર્ષે આ દેશમાં પણ અનેક પરિવર્તનો જોવા મળશે.

સિકકાની બે બાજુ જેમ આ ટેકનોલોજીના ફાયદા અને નુકસાન પણ છે. કોમ્પુટર, લેપટોપ કે મોબાઇલ જેવા યંત્રોએ મનુષ્યના જીવનને અદભુત રીતે સુવિધાઓથી ભરી દીધું છે. નાના અમથા આ સાધનને કારણે આખું વિશ્વ મનુષ્યની હથેળીમાં સમાઇ ગયું છે. દરેક પ્રકારની જરૂરિયાતો સરળતાથી ઉપલબ્ધ થતી હોવાથી માણસોનો શારીરિક શ્રમ ઓછો થઈ ગયો છે.

ભૂતકાળમાં માણસના હાથમાં અખબારો કે પુસ્તકો કાયમ રહેતા. આજે તેનું સ્થાન સ્માર્ટ ફોને લઈ લીધું છે. ભણેલા યુવક યુવતીઓ મહિલાઓ વરિષ્ઠ નાગરીકો તો ઠીક, પણ નીચલા વર્ગના સાફ સફાઈ કરનારાઓના હાથમાં પણ આ ટચૂકડું સાધન જોવા મળે છે. વ્યક્તિ ભલે સ્માર્ટ ન હોય,પણ તેના હાથમાં સ્માર્ટ ફોન તો હશે જ. પુરુષો કે મહિલાઓ પોતાનું રોજિંદું કામ કરતાં પણ મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા હોય છે. દારુ કે સિગારેટ એક પ્રકારનું વ્યસન ગણાય છે, તેમ દરેકને આ મોબાઈલનું વ્યસન અને વળગણ છે. તેના વિના એક પળ પણ ચાલતું નથી.

એ વાતમાં શંકા નથી કે મોબાઈલને લીધે વાતચીત અને સંદેશાઓનું આદાન પ્રદાન સરળ તથા ઝડપી થઈ ગયું છે, પણ તેનો અતિરેક થતો દેખાય છે. ટ્રેન, બસ કે અન્ય વાહનમાં પ્રવાસ કરતી કે રસ્તે ચાલતી વ્યક્તિનો ચહેરો મોબાઈલ તરફ જ ઢળેલો હોય છે, પરિણામે આસપાસના વાતાવરણની તેમને જરા ય અસર થતી નથી.

બાળકો પણ હવે મેદાનમાં જઈ રમવાના બદલે ઘરમાં રહી મોબાઈલમાં ગેમ રમવામાં વ્યસ્ત રહેતા હોય છે. એક ટુચકો યાદ આવે છે, આખો દિવસ મોબાઈલમાં જ ઊંધું ઘાલીને વ્યસ્ત રહેતા એક કિશોરના પિતાએ ઠપકો આપતા કહ્યું “બહારની દુનિયામાં તો જો જ્યાં કેટલું બધુ જોવા લાયક છે.” ત્યારે કિશોર માથું ઊચું કર્યા વિના જ બોલ્યો, “લિન્ક મોકલો જોઈ લઈશ.” બે ઘડી આ રમૂજ લાગે પણ આની પાછળ રહેલી ગંભીરતાની નોંધ લેવાનું અત્યંત આવશ્યક લાગે છે.

પરિવારના સભ્યો પણ પોત પોતાનાં મોબાઈલમાં જ સતત વ્યસ્ત રહેતા હોય છે, પરિણામે એકબીજા સાથે વાત ચિત થતી જ નથી. કેટલાક વડીલો આતુરતાથી રાહ જોતાં હોય છે, કે ક્યારે બધા મોબાઈલમાંથી નવરા પડે તો તેમની સાથે સંવાદ સાધી શકાય, પરંતુ તે તેમને માટે મૃગજળ સમું છે. આ નાના યંત્રે પરિવારનો સાહિયારો આનંદ ઝૂંટવી લીધો છે. માણસ માણસ વચ્ચેનું અંતર વધતું જાય છે. મિટિંગોમાં કે નાટ્યગૃહમાં મોબાઈલને શાંત રાખવાની સૂચના આપવામાં આવે છે, પણ તેનો અમલ ભાગ્યે જ થતો જણાય છે.

દરેક વસ્તુનો વપરાશ મર્યાદામાં હોય તો જ તેની સાર્થકતા છે. આ મોબાઇલની માયા જાળમાંથી મુક્ત થવું ભલે અઘરૂ હશે, પણ મુશ્કેલ તો નથી જ.


 
 
 

Recent Posts

See All
संघर्ष से सफलता तक

प्रसिद्ध अमेरिकी लेखक अर्नेस्ट हेमिंग्वे ने अपने प्रसिद्ध उपन्यास "द ओल्ड मैन एंड द सी" में कहा है , "मनुष्य को नष्ट किया जा सकता है,...

 
 
 

Comments


CONTACT

US

NITIN MEHTA

Mob No. 9821617327

E-mail ID - mehtanitin.43@gmail.com

MUMBAI, INDIA 

TELL

US

Thanks for submitting!

bottom of page