મારા વિદ્યા ગુરૂ અને કાવ્ય ગુરૂ ડો.યશવંત ત્રિવેદી.
- NITIN MEHTA
- May 9, 2024
- 2 min read
ગુજરાતી ભાષામાં કવિતાઓ, નિબંધો વાર્તાઓનું સર્જન કરનાર ગુજરાતી સાહિત્યના સુપ્રસિધ્ધ સર્જક ડો. યશવંત ત્રિવેદી હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ અક્ષર દેહે અજરામર રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એક વિધ્યાર્થી તરીકે જેમની પાસેથી જ્ઞાનના અસીમ સાગરનું આચમન કર્યું છે, તેને પોતાના માનીતા ગુરૂના નિધનના સમાચાર જાણી અત્યંત આઘાત લાગ્યો છે, તે અવર્ણનીય છે સખેદ મન અતીતમાં સરી પડયું છે.
મારા એ કોલેજ કાળના દિવાસોનું સ્મરણ કરી મારી સંવેદના સભર શ્રદ્ધાંજલિ અપર્ણ કરું છું. તેમણે પોતાના એક અછાંદસ કાવ્યમાં લખ્યું છે, “ગંગા ઘાટે હું જ તે મારા અસ્થિનો લઈ કુંભ ઊભો છું.” યશવંતભાઈએ મને માત્ર ભણાવ્યો જ નથી, પણ જીવન પ્રત્યેની સકારાત્મક દ્રષ્ટિના બીજ મારી ભીતર રોપ્યા છે. મારી સર્જન પ્રક્રિયાને પ્રોત્સાહિત કરી કાયમ પથપ્રદર્શક બન્યા છે. તેમના અનેક માનીતા વિધ્યાર્થીઓમાં મારું પણ સ્થાન હતું, જે માટે હું મને સદભાગી સમજુ છું.
તેમના વાંચનની કોઈ સીમા ન હતી. મને પણ વિશ્વ સાહિત્યના પુસ્તકો વાંચવાની ભલામણ કરતાં અને તે પુસ્તકો હું વાંચી તેમની સાથે ચર્ચા કરતો ત્યારે તેમના ચહેરા પર સંતોષ અને ખુશીની લહેર મેં ઘણીવાર વાંચી છે. તે સમયે કોલેજમાં ગુજરાતી સાહિત્ય મંડળની પ્રવૃત્તિ સતત થતી રહેતી, તેમાં આગળ પડતો ભાગ લેવાનું પ્રેરક બળ યસવંતભાઈ મને હમેશાં આપતા પરિણામે હું ઘણાપ્ર સિધ્ધ કવિઓ લેખકોના સંપર્કમાં આવી શક્યો.
કવિ કાંતના ખંડકાવ્યો કે ઉમાશંકરના પુસ્તક મહાપ્રસ્થાનના પદ્યનાટકો ભણાવતા ત્યારે એમ લાગતું કે આ લેકચર પૂરૂ ન થાય તો સારું. તેમની વાણી અને વિચારોની અભિવ્યક્તિ મારા મનમાં ચીરસ્મરણીય રહેશે. અમારો સંબધ ગુરૂ શિષ્ય કરતાં પણ વિષેશ હતો. મારા પ્રથમ કાવ્ય સંગ્રહ પગલામાં ઊતર્યું આકાશની પ્રસ્તાવના તો તેમણે લખી, પણ એ પુસ્તકના વિમોચન પ્રસંગે ઉમળકાભેર હાજર રહી પ્રવચન પણ આપ્યું. કલાગુર્જરીમાં તેમનું યોગદાન તથા આનંદોત્સવ દ્વારા નવોદિતોના પુસ્તક પ્રકાશન માટે તેમનું શાશ્વત પ્રદાન પણ અત્યંત મહત્વનું હતું.
“મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો” કે “મારા મોરલાને કંઠ ઓલ્યો લીલો આષાઢ જેમ ઘેરે” જેવી કાવ્યપંક્તિ અને “ચાંદરણું આભને પાંદડે ચૂયું ને પાંદડું પૂનમ થયું રે લોલ” જેવી લોકગીતનો લય ધરાવતી પંક્તિએ ગુજરાતી કવિતાને તેની ચરમ સીમાએ પહોંચાડી છે, જેની નોંધ અવશ્ય લેવી ઘટે.
તેમના કાવ્ય સંગ્રહો ‘ક્ષિતિજને વાંસવન’, ‘પરિપ્રશ્ન’, ‘આશ્લેષા’ ઉપરાંત ‘પ્રતિયુધ્ધ’ કાવ્યો અને ‘ગાંધી કવિતા’ એમના સંપાદન ગ્રંથો છે. સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ,ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ કવિલોક પારિતોષિક જેવા અનેક માં સન્માન તેમણે મળ્યા છે.
આવી પ્રતિભાવંત વ્યક્તિ દ્વારા હું ઘડાયો છું તેની સગર્વ નોંધ લઉં છું અને પ્રાર્થના કરું છું પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
Comments