હું છું ને
- NITIN MEHTA
- May 3, 2021
- 2 min read
માનવીના સંબંધો સ્નેહ અને લાગણીનાં મજબુત પાયા ઉપર ટકી રહે છે. આત્મીયતાનો અભાવ કે ઉપરછલ્લી કુત્રિમ લાગણીથી સંબંધોમાં તિરાડ પડે છે તથા અંતર વધતું જાય છે. તો ક્યારેક બે અજાણ્યા માનવી વચ્ચે અનાયાસે સંબંધો સ્થપાઈ જાય છે ત્યારે તેમાં આત્મીયતાનું અમૃત અને લાગણીની કુમાશ ભળે છે આવા સંબંધો શાશ્વત બની જાય છે
માણસ હંમેશા બીજા માણસ પાસેથી પ્રેમ, સહાનુભૂતિ, હુંફ તથા આદરની ઝંખનાં સેવે છે તો સંજોગો પ્રમાણે દિલાસો કે આશ્વાસનની પણ ખેવના રાખે છે પોતે અનુભવેલ ખુશીની ક્ષણો અન્ય સાથે શેર કારવાં માટે માનવીનું મન હંમેશા તત્પર રહેતું હોય છે. બરકત વિરાણી ‘બેફામ’ ની ગઝલનો એક શેર છે,
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, એને આખી કહાની સૂણાવી દીધી.
આમ કોઈ માત્ર હાલ પૂછે તો પોતાના સુખદ કે દુખદ પ્રસંગોની આલોચના કરવાનું તે વ્યક્તિને તત્ત જ મન થાય છે. દોડવું હતું ને ઢાળ મળી ગયા જેવી લાગણીની અનુભૂતિ થાય છે.
આ તો થઈ માનવીને પ્રાપ્ત થએલા આનંદની વાત, પણ હતાશા, નિરાશા કે ચિંતાઓથી ઘેરાએલા માણસના મનને સદા આશ્વાસનના બે શબ્દોની અપેક્ષા રહેતી હોય છે તેનામાં આત્મવિશ્વાસનો સંચાર કરવાની અને તેને હિંમત આપવાની આવશ્યકતા રહેતી હોય છે એક વ્યક્તિનો ઉદાસ ચહેરો જોઈ અન્ય વ્યક્તિ એમ કહે “તમે ચિંતા ન કરો હું છું ને” ત્યારે પેલી દુખી વ્યક્તિને સહારો મળે છે, સ્નેહ સભર હુંફ મળે છે. આ હુંફમાં અકલ્પિત અભિન્ન લાગણી ભળેલી હોય છે. આ એક માત્ર વાક્ય “હું છું ને “ એટલી અદભુત તાકાત રહેલી હોય છે કે નિરાશ માણસની વૈચારિક અવસ્થાને બદલાવી શકે છે
જાણીતા કવિ શ્રી જયંત પાઠકે પોતાના એક અદભુત કાવ્યના ઉપાડમાં કાવ્યનાયકના મુખે આ શબ્દો વહેતા કર્યા છે “બંધ ઓરડે આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે, ‘હું છું ને’ એટલું જ બોલ્યા હોત તો જીવી ગયો હોત “ આમ માણસને પુનર્જીવિત કરવાની શક્તિ પણ આ ત્રણ શબ્દોના મૂળમાં રહેલી છે.
અદીઠ આશાઓતથી સભર આ વાક્યમાં અઢળક આત્મીયતા છે પવિત્ર પ્રેમની નિશાની છે અંતરના ઊંડાણેથી ઉદભવેલી હૂફ છે જે ભગ્ન હૈયામાં ચૈતન્યનો સાક્ષાત્કાર કરે છે. ઉદાસ થએલા સંતાનોને માતા પિતા દ્વારા, વૃદ્ધ માતા પિતાને પુત્ર પુત્રી દ્વારા કે પછી પતિ પત્ની કે બે મિત્રો વચ્ચે બોલાતું વાક્ય “હું છું ને” હિંમતનું પ્રદાન કરે છે
અત્યંત વિશ્વાસથી ભરપૂર આ શબ્દો માણસને આત્મહત્યા કરતા અટકાવે છે. જીવનના અનેક વિકટ પ્રશ્નો અને સમસ્યાઓનો હીંમત પૂર્વક સામનો કરવાનો પ્રધાન સૂર તેમાં રહેલો છે. દિશાવિહીન થએલા માનવીને મંઝીલ તરફ દોરી જનારો માર્ગ મળી જાય છે. કોને ખબર “હું છું ને” બોલાવાથી સામી વ્યક્તિનું જીવન બદલાઈ શકે છે. ભલાઈ કરવાની આ પણ એક સરળ રીત છે.
નીતિન વિ મહેતા
Comentarios