હું શા માટે લખું છું?
- NITIN MEHTA
- May 9, 2024
- 2 min read

તાજેતરમાં દિલ્હીની સાહિત્ય અકાદમીએ ભવ્ય સાહિતયોત્સવનું આયોજન કર્યું હતું. વિવિધ ભાષાના અગ્રગણ્ય સર્જકો એકત્રિત થયા હતા. સ્વ ભાષામાં રચાતા સાહિત્યના અનેક પ્રકારો વિશે વિચાર વિમર્શ કરવા માટે સર્જકોને એક મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના એક ભાગ રૂપે અખિલ ભારતીય દિવ્યાંગ લેખકો અને કવિઓને પણ નિમંત્રિત કર્યા હતા. આ લખનારને પણ તેમાં સહભાગી થવાની સુવર્ણ તક સાંપડી હતી.
કેટલાક દિવ્યાંગ લેખકોને એક વિષય આપવામાં આવ્યો હતો કે “હું શા માટે લખું છું?” પ્રત્યુત્તર રૂપે હિન્દી કે અંગ્રેજી ભાષામાં પેપર રજૂ કરવાનું હતું. મેં પણ મારું પેપર હિન્દીમાં વાંચ્યું હતું. મારા અભ્યાસના આધારે મેં કેટલાક વિધાનો તથા મારા મૌલિક વિચારો આ પ્રશ્નની છણાવટ કરતાં પ્રસ્તુત કર્યા હતા. લેખક શા માટે લખે છે? અને લખે છે, તો વાંચે છે કેટલા? સામાન્ય રીતે સાવ સરળ લાગતા આ સવાલના જવાબમાં વિવિધ પરિમાણો જોવા મળે છે, તેમાં મોટે ભાગે એક પરિમાણ છે, લેખક નિજાનંદ માટે લખે છે.
લખવું એ પણ એક કલા છે. કોઈ સર્જક જ્યારે કલાકૃતિનું નિર્માણ કરતો હોય છે, ત્યારે તે તેમાં સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઈ જતો હોય છે. તે સમયે લેખકને જે આનંદ પ્રાપ્ત થાય છે, તેનો કોઈ પર્યાય નથી. કવિ સુરેશ દલાલે માત્ર બે જ પંક્તિમાં અદભુત વાત કહી છે, “લખવા માટે શબ્દો મળ્યા અને વલખવા મૌન.” મૌન રહી મુંઝાવું, તેના કરતાં શબ્દોના સહારે અભિવ્યક્ત થવું શું ઉચિત નથી?
શબ્દોમાં અપાર શક્તિ છે ઉમાશંકર તો હંમેશાં કહેતા કે કવિને એકાદ પંક્તિ કે શબ્દ ઈશ્વરદત્ત હોય છે, પછી તેના પર તેણે પોતાનું કવિકર્મ અજમાવવાનું હોય છે, જે માટે પરિશ્રમ કરવો અનિવાર્ય બની રહે છે. આ પરિશ્રમ કરતી વખતે સર્જક એક મીઠા અજંપાની અનુભૂતિમાંથી પસાર થતો હોય છે. તેનું લક્ષ્ય તો ઉત્તમ કૃતિનું સર્જન કરવાનું જ હોય છે. ગઝલ સમ્રાટ “શયદા”એ લખ્યું છે, “લોહી પાણી એક કર, નીજ ભાન ભૂલી જા, હૃદયમાં એ વિના “શયદા” કવિતા થઈ નથી શકતી.”
મારી સરળ અભિવ્યક્તિ એ મને મળેલું મારી માતૃભાષાનું વરદાન છે. કશુંક અદીઠ તત્વ આંતરમનમાં જોર કરે છે અને હું લખવા માટે પ્રેરાઉં છું. જર્મન કવિ રિલ્કેના મત પ્રમાણે લખવું એટલે જાતને શોધવી. જાત સાથેનો સંવાદ એ લેખન પ્રક્રિયાઓનું પરિણામ છે. લેખક એક કલાકાર છે, શબ્દોનો કારીગર છે, તેના ઋજુ હૃદયમાં ઉદ્દભવેલા ઘામાંથી જ ઉત્તમ કલાકૃતિનું સર્જન થાય છે. આશાવાદી અભિગમ એ જ મારા શબ્દોનો મુખ્ય અવાજ છે. લખવું એ મારે મન શ્વાસ લેવા જેવું છે.
હું લખું છું, કારણ, લેખન મારા જીવનનો એક ભાગ છે.
Comentários